કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને 55 રનમાં આઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઇનિંગમાં 153 રન બનાવ્યા હતા. આ પછી મેચના પ્રથમ દિવસે રમતના અંત સુધીમાં યજમાન ટીમે તેના બીજા દાવમાં 62/3 રન બનાવ્યા હતા. જોકે હાલમાં એઈડન માર્કરામ (36) અને ડેવિડ બેડિંગહામ (7) ક્રિઝ પર હાજર છે. મેચના પહેલા દિવસે બંને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું એવામાં ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 8 રનના સ્કોરમાં તેના બંને ઓપનિંગ વિકેટ ગુમાવી હતી તો 15 રન સુધી પહોંચતા 4 વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે તેના પ્રથમ દાવમાં માત્ર 23.2 ઓવરની જ બેટિંગ કરીને 55 રન બનાવી શકી હતી.

પહેલી ઈનિંગમાં સિરાજે શાનદાર બોલિંગ કરતાં સતત 9 ઓવર ફેંકી, 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 3 ઓવર મેડન નાખી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ સાથે જ ટેસ્ટ મેચના પ્રથમ સેશનમાં 6 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. સિરાજની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી 5 વિકેટ છે. સિરાજ સિવાય જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે પણ 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા જેવી જ સ્થિતિ જ રહી હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમની છેલ્લી 6 વિકેટો શૂન્ય રનમાં જ પડી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના નામે આ શરમજનક રેકોર્ડ બીજી વખત બન્યો છે. છેલ્લા 6 બેટ્સમેનમાંથી 5 પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. 33 ઓવર સુધી, ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન હતો, આ પછી વિકેટો પડવાનો ધમધમાટ શરૂ થયો અને ભારતીય ઇનિંગ્સનો આગામી 11 બોલમાં અંત આવ્યો હતો.

ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેની વિકેટ પડ્યા બાદ રોહિત શર્મા અને શુભમન ગીલે બીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. જો કે હિટમેન સાઉથ આફ્રિકાની ધરતી પર તેની પ્રથમ અડધી સદી ચૂકી ગયો. તેણે 7 ચોગ્ગાની મદદથી 39 રનની ઇનિંગ રમી હતી. ગિલે 5 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. આ પછી શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. જો કે વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યા હતા પરંતુ તેઓ પણ 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી જે બાદ આઉટ થઈ ગયા હતા. તેમના સિવાય કેએલ રાહુલે 8 રનની ઇનિંગ રમી હતી.

મેચના પ્રથમ દિવસે 75.1 ઓવરની રમત શક્ય બની હતી, જેમાં બંને ટીમોએ કુલ 270 રન બનાવ્યા હતા અને આ દરમિયાન 23 વિકેટ પડી હતી. આ ટેસ્ટ ઈતિહાસમાં મેચના શરૂઆતના દિવસે બીજી સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ બની ગયો. જણાવી દઈએ કે 1902માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેલબોર્ન ટેસ્ટમાં પહેલા દિવસે 25 વિકેટ પડી હતી. આ 100 વર્ષથી વધુ જૂનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે.