સમગ્ર ઉત્તર ભારત ઠંડીની લહેર અને ધુમ્મસની લપેટમાં છે. હાડ થીજાવતી ઠંડીના કારણે લોકોને ઘરોમાં જ બંધ રહેવાની ફરજ પડી રહી છે ત્યારે ધુમ્મસના કારણે ફ્લાઈટ અને ટ્રેનોના સંચાલનને અસર થઈ રહી છે. મંગળવારે (16 જાન્યુઆરી), ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પરથી 30 ફ્લાઈટ્સ મોડી પડી હતી, જ્યારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શહેરના પાલમ (VIDP) અને સફદરજંગ એરપોર્ટ પર સવારે 500 મીટર સુધીની વિઝિબિલિટી નોંધાઈ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ એરપોર્ટ ઓથોરિટીને ટાંકીને જણાવ્યું હતું કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઈટ્સ મોડી પડી હતી અને 17 રદ કરવામાં આવી હતી.

મંગળવારે માત્ર દિલ્હી એરપોર્ટ પર જ નહીં પરંતુ દેશના વિવિધ એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. વારાણસી એરપોર્ટ પર 0 મીટર, આગ્રા એરપોર્ટ પર 0 મીટર, ગ્વાલિયર એરપોર્ટ પર 0 મીટર, જમ્મુ એરપોર્ટ પર 0 મીટર, પઠાણકોટ એરપોર્ટ પર 0 મીટર, ચંદીગઢ એરપોર્ટ પર 0 મીટર, ગયા એરપોર્ટ પર 20 મીટર, પ્રયાગરાજ એરપોર્ટ પર 50 મીટર, તેઝપુર એરપોર્ટ પર 50 મીટર, અગરતલા એરપોર્ટ પર 100 મીટર, વિજયવાડા એરપોર્ટ પર 100 મીટર અને બાગડોગરા એરપોર્ટ પર 100 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.

ઠંડીમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ફ્લાઇટ્સ કલાકો મોડી અને તેના રદ થવાના કારણે મુસાફરોને ઠંડીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં લોકોને ખુલ્લા આકાશમાં બેસી રહેવું પડે છે. બે દિવસ પહેલા ઈન્ડિગોની ફ્લાઈટ મોડી આવવાથી નારાજ એક મુસાફરે પાઈલટ પર હુમલો કર્યો હતો. આ પહેલા સોમવારે ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર પાંચ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે 100થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી.

ટ્રેનો પણ કલાકો મોડી પડી રહી છે
ધુમ્મસના કારણે માત્ર ફ્લાઈટ જ નહીં પરંતુ ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ રહી છે. ગાઢ ધુમ્મસને કારણે, રાણી કમલાપતિ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત અને હાવડા-દિલ્હી રાજધાની એક્સપ્રેસ સહિત લગભગ 30 ટ્રેનો મંગળવારે મોડી દોડી રહી હતી, જેના કારણે ઘણા મુસાફરો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફસાયા હતા.