સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાની એજીએમ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતના સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તુષાર ત્રિવેદીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે સ્પોર્ટ્સ રિપોર્ટર રિપ્પલ ક્રિસ્ટીનો એક્ઝિક્યુટિવ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એસજેએફઆઈના સેક્રેટરી તરીકે પ્રશાંત કેની અને ટ્રેઝરર તરીકે પાર્થા ચક્રવર્તીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત SJFIએ તેની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી નિમિત્તે એક સમિતિની રચના કરી હતી જેમાં ગુજરાતના હિતેષ પટેલ (પોચી)ની એક સદસ્ય તરીકે વરણી કરવામાં આવી હતી.

અમદાવાદમાં સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત ખાતે રવિવારે યોજાયેલી એસજેએફઆઈની એન્યુઅલ જનરલ મીટિંગમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત એસજેએફઆઈ મેડલ માટે ફ્લાઈંગ શિખ મિલ્ખા સિંહ અને ટ્રેક સ્ટાર અને પદ્મ વિજેતા પી.ટી ઉષાની પસંદગી કરવામાં આવી છે. અગાઉ ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, બેડમિન્ટન લિજેન્ડ પ્રકાશ પાદુકોણ અને લિજેન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કર આ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

એથ્લેટિક્સ લિજેન્ડ મિલ્ખા સિંહની મરણોપરાંત આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. મિલ્ખા સિંહએ ભારત માટે ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે 1958માં ટોક્યો એશિયન ગેમ્સમાં 200 મીટર અને 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ 1962 જકાર્તા એશિયન ગેમ્સમાં 400 મીટર અને 4X400 રિલેમાં પણ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.

જ્યારે પી.ટી ઉષાએ એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. તેમણે 1986માં સાઉથ કોરિયાના સીયોલમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 200 મીટર, 400 મીટર, 400 મીટર હર્ડલ અને 4X400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. હાલમાં તેઓ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઈઓએ)ના પ્રમુખ છે. નિવૃત્તિ બાદ તેમણે ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સની સ્થાપના કરી હતી.

તુષાર ત્રિવેદીની પ્રમુખ તરીકે વરણી સમયે ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશનના હોદ્દેદાર અને સભ્યો હાજર રહ્યા હતા અને શ્રી તુષાર ત્રિવેદી અને શ્રી રિપ્પલ ક્રિસ્ટીને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. ઉપરોક્ત પ્રસંગે હાજર રહેનારમાં એસોસિયેશનના ચીફ પેટ્રન હિતેષ પટેલ (પોચી), નરેન્દ્ર પંચોલી, અશોક મિસ્ત્રી, ચિંતન રામી, અલી અસગર દેવજાની, અધિરાજસિંહ જાડેજા, રાકેશ ગાંધી, જીજ્ઞેશ વોરા તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

એસજેએફઆઈના ઉપક્રમે ચીનના હેંગઝોઉ ખાતે રમાનારી 19મી એશિયન ગેમ્સ માટે યોજાયેલા ટોક શોમાં મુખ્ય મહેમાન તરીકે 1998 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ટ્રેક એન્ડ ફિલ્ડના એથ્લેટ જ્યોતિર્મોય સિકદર અને ભૂતપૂર્વ નેશનલ મેન્સ ડબલ્સ ચેમ્પિયન ઉદય પવાર તથા ઓલિમ્પિક જજ કિશન નરસી હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ શહેરમાં શનિવારે પડેલા ભારે વરસાદની વચ્ચે પણ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશનના હોદ્દેદારો તથા મુખ્ય મહેમાનોને સન્માનિત કરવા તથા તેમને પ્રોત્સાહિત કરવા ઈન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, એડીસી બેંકના ચેરમેન અજય પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહી અને ઓલ ઈન્ડિયામાંથી આવેલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટો સાથે વાર્તાલાપ કર્યા બાદ ગુજરાતના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તુષાર ત્રિવેદી અને રિપ્પલ ક્રિસ્ટીને અભિનંદન પાઠવ્યા હતા.

એસજેએફઆઈની એજીએમમાં ચૂંટાયેલા નવા હોદ્દેદારોઃ પ્રમુખઃ તુષાર ત્રિવેદી (ગુજરાત), વાઈસ-પ્રેસિડેન્ટઃ વિકાસ પાંડે (ઈન્દોર), મનુજા વીરપ્પા (બેંગલુરુ), સરજુ ચક્રવર્તી (ત્રિપુરા), પારિતોષ પ્રમાણિક (નાગપુર), સેક્રેટરીઃ પ્રશાંત કેની (મુંબઈ), જોઈન્ટ સેક્રેટરીઃ રમેશ વારીકુપ્પલા (તેલંગાણા), ટ્રેઝરરઃ પાર્થા ચક્રવર્તી (આસામ), એક્ઝિક્યુટિવ કમિટીઃ સુરેષ કુમાર સ્વાઈન (ઓડિશા), રિપ્પલ ક્રિસ્ટી (ગુજરાત), કે.કિર્તીવાસન (તામિલનાડુ), સુપ્રભાત દેબનાથ (ત્રિપુરા), બિદ્યુત કલિટા (આસામ), નિલેશ દેશપાંડે (નાગપુર), સાબી હુસૈન નકવી (દિલ્હી).