વડોદરામાં લગભગ 300 કરોડની મિલ્કત ધરાવતા એક બિલ્ડરે હાઈ રાઈઝ ઈમારત પરથી કૂદકો મારી દીધો છે. ડેડ બોડીને જોયા પછી કોઈ ષડયંત્રની શક્યતા દેખાતી નથી. મનીષભાઈ લોટસ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા હતા અને તાજેતરમાં કેટલીક મોટી જમીનની ડીલ પણ કરી હતી. વડોદરાના રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

લોટસ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા 50 વર્ષીય મનીષ પટેલે ગુરુવારે વહેલી સવારે એશિયા મોલ સામે નવી બની રહેલી બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો છે. મનીષ પટેલ લગભગ 300 કરોડની સંપત્તિના માલિક હોવાનું માનવામાં આવે છે. તેમણે આવું પગલું શા માટે લીધું તે કોઈને સમજાતું નથી.

યોગા ક્લાસમાં જવાનું કહીને ગયા હતા
છેલ્લે જાણવા મળેલી વિગત પ્રમાણે તેઓ યોગા ગ્લાસમાં જવાનું કહીને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા. મનીષ પટેલે સત્યા નારાયણ પાર્ટી પ્લોટ પાસે પોતાની કાર પાર્ક કરી હતી અને નવી બનતી ઈમારતની ટેરેસ પર ગયા હતા. જ્યાંથી તેમણે પડતું મૂક્યું હતું. મનીષ પટેલના પિતા પણ જાણીતી વ્યક્તિ છે જેઓ ઉમા કોઓપરેટિવ બેન્કના ચેરમેન હતા અને મનીષભાઈ પાસે સેવાસીમાં પાંચ એકરમાં એક આલિશાન બંગલો છે.

ડિપ્રેશનની દવા ચાલતી હતી
એફએસએલ અને ડોક્ટરોએ પણ મૃતદેહ જોયા પછી કહ્યું છે કે આ સુસાઈડ કેસ છે. તેમના પરિવારજનોને આ ઘટનામાં કોઈના પર શંકા નથી. મનીષ પટેલ ડિપ્રેશનનો શિકાર હતા કે કેમ તે વાત પર પોલીસ તપાસ કરી રહી છે કારણ કે તેમની ડિપ્રેશનની દવા ચાલતી હતી. આ ઉપરાંત તાજેતરમાં તેમણે કેટલાક મોટા રિયલ્ટી સોદા પણ કર્યા હતા. બિલ્ડર મનીષ પટેલે થોડા સમય અગાઉ જ કેટલીક જમીનો ખરીદી હોવાનું કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં બેન્ક લોન હતી કે નહીં તેની વિગતો મેળવવામાં આવી રહી છે. તેમણે બિલ્ડિંગ પરથી પડતું મૂકીને જીવ ટૂંકાવ્યો ત્યારે શરૂઆતમાં તો કોઈ તેમને ઓળખી શક્યું ન હતું. પરંતુ તેમના વોલેટમાંથી મળેલા લાઈસન્સના આધારે તેમની ઓળખ થઈ હતી.

દિવાળીથી કોઈ ટેન્શનમાં હતા
બિલ્ડર લોબીમાં એવી ચર્ચા ચાલે છે કે લોટસ ગ્રૂપમાં મનીષ પટેલ મોટો હિસ્સો ધરાવે છે અને દિવાળી પછી તેમની વર્તણૂક એકદમ બદલાઈ ગઈ હતી. તેઓ ગુમસુમ રહેતા હતા તેનું કારણ કોઈ જાણતું નથી. થોડા દિવસો પછી જ મનીષભાઈના પુત્રની સગાઈ હોવાથી તેમણે નવા કપડા પણ સિવડાવવા માટે આપેલા હતા. ઘરમાં આનંદ અને ખુશીનો માહોલ હતો ત્યારે તેમણે આવું પગલું શા માટે ભર્યું તે કોઈ સમજી શકતું નથી.

પોલીસે એ બિલ્ડિંગની પણ તપાસ કરી છે જ્યાંથી મનીષ પટેલે કૂદકો માર્યો હતો. આ ઈમારતની ટોચ પરથી મોબાઈલ ફોન મળી આવ્યો છે જેનો સિમ કાર્ડ સ્ક્રેચ થયો હોવાનું કહેવામાં આવે છે. પોલીસ હવે આ ફોન નંબરની કોલ ડિટેલ મગાશે. સવારે તેઓ યોગા ક્લાસના નામે નીકળ્યા ત્યારે પોતાના ઘરથી લગભગ ત્રણ કિમી દૂર લોટસ એલાઈટની ઓફિસ પાસે કાર પાર્ક કરીને ત્યાંથી બિલ્ડિંગની છત પર ગયા હતા. તેમણે જે રીતે જીવ ટૂંકાવ્યો તે વાત કોઈ સ્વીકારવા તૈયાર નથી. તેમના મોટા પુત્રની ટૂંક સમયમાં સગાઈ થવાની હતી અને નાનો પુત્ર કેનેડાથી આવવાનો હતો. તેવામાં આ આઘાતજનક ઘટના બની છે.