નવા વર્ષની શરૂઆત શતાં જ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. બુધવારે ગુજરાતના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 10.4 ડિગ્રી, રાજકોટમાં 11.5, પોરબંદરમાં 11.2, કેશોદમાં 11 અને ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના અનુસાર, આગામી ચાર દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ ચાર દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. ઠંડીની સાથે રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. વાહનચાલકો હેડલાઈટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બન્યા છે.

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં તીવ્ર ઠંડી યથાવત છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને ત્રિપુરામાં પણ શિયાળાની કઠોરતા યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અહીં ગુરુવારે (4 જાન્યુઆરી) સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ગાઢ ધુમ્મસ છે. આ ઉપરાંત કડકડતી ઠંડીના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં રસ્તાઓ અને ફૂટપાથ પર રહેતા લોકો રાત-દિવસ આગના સહારે જીવી રહ્યા છે.

તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રસ્તાઓ પરના વાહનો, ટ્રેનો અને હવાઈ સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની અને ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થવાની ધારણા છે.